॥ हर हर महादेव ॥•Om Namah Shivaya

🙏 વંદે મા સરસ્વતી 🙏

વંદે મા સરસ્વતી

માતા સરસ્વતીના પુનઃ ધારાવતરણનો સંકલ્પ

૨૩ જાન્યુઆરી ૨૦૨૬, વસંત પંચમીના પાવન દિવસે યોજાયેલી સરસ્વતી પરિક્રમા શ્રદ્ધા, આસ્થા અને સંસ્કૃતિનો ભવ્ય સંગમ બની.

સંતો અને હજારો ભાવિકોના પાવન પગલાં સાથે આ યાત્રાએ માત્ર માર્ગ નહીં, પરંતુ હૃદયોને પણ સ્પર્શ્યા. આ પરિક્રમા એક યાત્રા નહોતી… આ હતો સંકલ્પ — સરસ્વતી માતાના પુનર્જાગરણનો.

તારીખ
૨૩ જાન્યુઆરી ૨૦૨૬
તિથિ
વસંત પંચમી
અંતર
૧૮ કિ.મી.

ઐતિહાસિક મા સરસ્વતી પરિક્રમાની ઝલક

નદી નહીં, ચેતનાની ધારા

ભારત માત્ર ભૂમિખંડ નથી, પરંતુ જીવંત સંસ્કૃતિ છે, અને આ સંસ્કૃતિની પ્રાણધારા તરીકે નદીઓ વહે છે. આ નદીઓ માત્ર જળપ્રવાહ નથી, પરંતુ ચેતનાની ધારાઓ છે. ભારત તથા વિશ્વના પ્રાચીનતમ ગ્રંથ ઋગ્વેદમાં સર્વાધિક ઉલ્લેખ પામેલી નદી એટલે માતા સરસ્વતી. વૈદિક કાળમાં જેમના કાંઠે ઋષિ–મુનિઓએ તપ, યજ્ઞ અને સ્વાધ્યાય દ્વારા ભારતીય સંસ્કૃતિના મજબૂત પાયા ઘડ્યા, એવી આ નદી જ્ઞાન, પવિત્રતા અને સંસ્કારનું પ્રતીક રહી છે.

કાર્તિક સ્વામી અને મહાસુર વચ્ચેના મહાસંગ્રામ પૂર્વે દેવતાઓએ માતા સરસ્વતીના કાંઠે અભિષેક કર્યો હોવાની કથા હોય કે પરશુરામ ભગવાને અનેક યુદ્ધો બાદ માતા સરસ્વતીના જળમાં સ્નાન કરી આત્મિક શાંતિ અનુભવી હોવાની માન્યતા — દરેક પ્રસંગમાં સરસ્વતી માત્ર નદી નહીં, પરંતુ જીવંત ચેતન શક્તિ તરીકે પ્રગટે છે. દંતકથાઓ તો ત્યાં સુધી કહે છે કે વર્ષમાં એકવાર સર્વના પાપ હરનારી મા ગંગા પણ પોતે પવિત્ર થવા માતા સરસ્વતીમાં આવે છે.

આવી મહિમાવંતી માતા સરસ્વતી આજે ભૌતિક દૃષ્ટિએ ધરાતલ પર દૃશ્યમાન નથી. માતાનો જળપ્રવાહ ધરતીની નીચે અંતર્હિત થયો છે. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણે અનેક કારણો રજૂ થાય છે, પરંતુ આધ્યાત્મિક દૃષ્ટિએ એક સત્ય સ્પષ્ટ છે — અમે માતાને માતા તરીકે સ્મરણ કરવાનું ભૂલી ગયા હતા. જ્યાં જનજાગૃતિ, શ્રદ્ધા અને સંકલ્પ પુનઃ પ્રગટે, ત્યાં માતાનું નીર ફરી ધરાતલ પર આવવું નિશ્ચિત છે.

“અમે માતાને માતા તરીકે સ્મરણ કરવાનું ભૂલી ગયા હતા.”

આ જ વિચાર અને ભાવનાનો સંસ્કાર પાટણવાસીઓના હૃદયમાં સંચિત થયો, અને “વંદે મા સરસ્વતી” સંકલ્પના અંતર્ગત, માતા સરસ્વતીના પુનઃ ધારાવતરણના સંકલ્પ સાથે, ઐતિહાસિક મા સરસ્વતી પરિક્રમાનું આયોજન થયું.

ઇતિહાસમાં પ્રથમ વખત

તારીખ ૨૩ જાન્યુઆરી ૨૦૨૬, માતા સરસ્વતીના પ્રાગટ્ય દિવસ વસંત પંચમીના અનુસંધાને, પાટણવાસીઓ દ્વારા ઇતિહાસમાં પ્રથમ વખત ૧૮ કિ.મી. લાંબી માતા સરસ્વતી પરિક્રમા યોજાઈ.

પરિક્રમા માર્ગ
૧૮કિ.મી.પરિક્રમા માર્ગ
સાધુ–સંતો
૪૦૦+સાધુ–સંતો
આશરે પરિક્રમાર્થીઓ
૯૦૦આશરે પરિક્રમાર્થીઓ
માર્ગમાં સમાવિષ્ટ
૮ગામમાર્ગમાં સમાવિષ્ટ
માણાનું પવિત્ર જળ
૧૦૮ઘડામાણાનું પવિત્ર જળ
પરિક્રમાનો સમય
૮કલાકપરિક્રમાનો સમય

સંતોના હસ્તે ધારણ

સમગ્ર પરિક્રમા સાધુ–સંતોની નિશ્રા અને માર્ગદર્શન હેઠળ યોજાઈ. વિવિધ પ્રદેશોમાંથી આવેલા ૪૦૦થી વધુ સાધુ–સંતોએ પરિક્રમામાં ભાગ લીધો, અને મુખ્ય સાધુઓના હસ્તે આ પવિત્ર પ્રતીકો ધારણ કરી પરિક્રમાને દૃઢ આધ્યાત્મિક દિશા આપવામાં આવી.

  • સરસ્વતી પુરાણ

  • ધર્મધ્વજા

  • પવિત્ર ત્રિશૂળ

  • ૧૧ કલશ

    બદ્રીનાથની નજીક ભારતના પ્રથમ ગામ “માણા”થી લાવવામાં આવેલું માતા સરસ્વતીનું જળ

  • સંતશ્રીની છબી

    પાટણના ઉચ્ચકોટિના સંત નર્મદાગિરિજી મહારાજ

આશીર્વાદ

ચંદનગિરી બાપુ

આબુ રાજના લોકપ્રિય અને આધ્યાત્મિક સર્વસ્વ ધરાવતા ચંદનગિરી બાપુના વિશેષ આશીર્વાદ સંકલ્પ સિદ્ધિ માટે પ્રાપ્ત થયા.

આશીર્વાદ

સ્વામી રુદ્રનાથ બાપુ

પરિક્રમાના વિચારનું સિંચન, આયોજન અને કાર્યરૂપ રેખા ઘડવામાં પાટણવાસીઓને સ્વામી રુદ્રનાથ બાપુના પવિત્ર આશીર્વાદ પ્રાપ્ત થયા.

સંકલ્પથી પ્રવાહ સુધી

  1. 1

    માણાથી પાટણ

    ઉત્તરાખંડના બદ્રીનાથની નજીક આવેલા ભારતના પ્રથમ ગામ “માણા”, જેને માતા સરસ્વતીનું ઉત્પત્તિ સ્થાન માનવામાં આવે છે, ત્યાંથી માતા સરસ્વતીનું પવિત્ર જળ ૧૦૮ ઘડામાં ભરી પાટણ લાવવામાં આવ્યું.

  2. 2

    જળનું સંસ્કરણ

    આનંદેશ્વર મહાદેવ મંદિરે ભગવાન શિવની ત્રણ પરિક્રમા સાથે આ જળને વિધિવત સંસ્કારિત કરવામાં આવ્યું.

  3. 3

    માતૃશક્તિના ૧૧ ઘડા

    આ ૧૦૮ ઘડામાંથી ૧૧ ઘડા સ્ત્રી પરિક્રમાર્થીઓ દ્વારા સમગ્ર પરિક્રમા દરમિયાન સાથે રાખવામાં આવ્યા — જે માતૃશક્તિ, જાગૃતિ અને સંરક્ષણનું પ્રતીક બન્યા.

  4. 4

    પિપળાના વૃક્ષારોપણ સાથે આરંભ

    પાટણના આનંદેશ્વર મહાદેવ મંદિર ખાતે પિપળાના વૃક્ષારોપણ સાથે પરિક્રમાનો આરંભ થયો — જે સંકેત હતો કે જ્યાં માતાનું જળ ફરી વહેવાનું છે, ત્યાં જીવન અને સંસ્કાર ફરી ફૂલશે.

  5. 5

    ભવ્ય આરતી અને જળ પ્રવાહ

    લગભગ આઠ કલાકે પરિક્રમા પૂર્ણ થઈ. હરિદ્વારમાં જેમ ગંગા માઈયાની આરતી થાય છે, તેવી જ ભાવભીની ભવ્ય માતા સરસ્વતીની આરતી કરવામાં આવી, અને વૈદિક મંત્રોચ્ચાર સાથે ૧૦૮ કલશનું પવિત્ર જળ પાટણ ખાતે માતા સરસ્વતી નદીમાં પ્રવાહિત કરવામાં આવ્યું.

“માતાનું આ જળ બારેય માસ અહીં વહેતું રહે.”

— જળ પ્રવાહિત કરતી વેળાએ લેવાયેલો સંકલ્પ

પરિક્રમાનો માર્ગ

પરિક્રમાના માર્ગમાં પાટણ સહિત કુલ ૮ ગામોનો સમાવેશ થયો.

  • પાટણ
  • પાલડી
  • સગોદિયા
  • અજિમાણા
  • કુંતાવડા
  • કમલીવાડા
  • હાજીપુર
  • રુણી

ચાર વર્ષના બાળકથી લઈને બ્યાસી વર્ષના વૃદ્ધ માતાજી સુધી સૌએ નંગપગ ચાલીને માતાની સુકાયેલી ધારાને સ્પર્શી. બાળકોનો ઉત્સાહ, યુવાનોનો જ્વલંત સંકલ્પ અને વૃદ્ધોની આશાભરી દૃષ્ટિ — આ ત્રિવેણીએ પરિક્રમાને અવિસ્મરણીય બનાવી. માર્ગનાં ગામોના લોકોએ સાધુ–સંતો અને પરિક્રમાકારોની ભાવપૂર્વક સેવા કરી.

લેવાયેલા સંકલ્પ

  • દર વર્ષે વસંત પંચમીના પવિત્ર દિવસે મા સરસ્વતી પરિક્રમા યોજવાની અડગ પ્રતિજ્ઞા.

  • દર પૂર્ણિમાના દિવસે માતા સરસ્વતીની ભવ્ય આરતી કરવાનો પવિત્ર સંકલ્પ.

  • કેટલાંક ગામોએ આવતી વસંત પંચમીએ અન્ય કોઈ કાર્યક્રમ નહીં રાખી, સમગ્ર ગામ માત્ર પરિક્રમામાં જોડાવાનો સંકલ્પ લીધો.

આ પરિક્રમા માત્ર એક યાત્રા નથી —
તે સ્મૃતિમાંથી સંકલ્પ તરફ
અને સંકલ્પમાંથી પુનઃપ્રવાહ તરફનો
ઐતિહાસિક પ્રયાસ છે.

ઇતિહાસ કહે છે — “તમે વહેતા હતા.”
ભવિષ્ય ઉત્તર આપે છે — “તમે ફરી વહેશો.”

🔱 વંદે મા સરસ્વતી 🔱

આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનેલા તમામ ભાવિકોનો હાર્દિક આભાર 🙏